Thursday, June 3, 2010

જીવન ધ્યેય - જીવ માત્ર ની સેવા

॥ ॐ अज्ञान तिमिरान्धस्य ज्ञानांजन शलाकया ! चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥

બાળપણ થી જ પૂજા - ભક્તિ વગેરે કરવા માં એક આનંદ ની અનુભૂતિ થતી હતી. એ સમયે આધ્યાત્મિક જ્ઞાન ન હોવા થી આત્મ સાક્ષાત્કાર કે સત્ય ની અનુભૂતિ કરવી વગેરે ની ખાસ કંઈ ગતાગમ - સમજણ હતી કે પડતી નહિ. બસ બે વખત સવારે અને સાંજે શ્લોક - મંત્ર બોલવા ના, અગરબત્તી મંદિર માં ફેરવી, ઘર માં રહેલ દરેક ભગવાન ની છબી, ઉંબરા પર અને સાથે સાથે સૂર્ય, ચંદ્ર, આકાશ, વૃક્ષો વગેરે ની પણ પૂજા કરવા ની.

મમ્મી રામાયણ - ભાગવત વાંચતા એની અસર હોય કે પછી ટી. વી. માં રામાયણ - મહાભારત વગેરે ધાર્મિક ધારાવાહિકો ની અસર હોય કે પછી પૂર્વ - જન્મ ના કર્મો ને કારણે, પરંતુ ત્યારે લગભગ ૯ - ૧૦ વર્ષ ની ઉમરે હું મમ્મી ને વારંવાર પૂછ્યા કરતો કે "જીવન માં ખાવા - પીવા - કામ કરવું - સુવું એ સિવાય બીજું કંઈ હોવું ના જોઈએ કે?", "બધા શા માટે દર રોજ એક સમાન જીવન જીવતા હશે?" "આપણે આખો દિવસ ઋષિ મુનીઓ ની જેમ આંખો બંધ કરી ને વૃક્ષ નીચે બેસી ના શકીએ?". જવાબ રૂપે મમ્મી સમજાવતા કે "જીવન જીવવા માટે, લોકો જે પ્રમાણે કરતા હોય છે, એ પ્રમાણે કરતુ રેહવું પડે. એમ ના કરીએ તો ખાવા નું ના મળે. ખાવા નું ના મળે તો આપણે જીવી ના શકીએ.... વગેરે વગેરે...."

મમ્મી ના જવાબ નો અસંતોષ હોય કે જંગલ માં જઈ ને રેહવા ની ઈચ્છા હોય, પરંતુ એ સમયે મારી સામે રેહતો મારો મિત્ર જીતેન્દ્ર ને વાત કરી કે "તારે મારી સાથે આવવું છે? નેસડી રોડ પર જઈ ત્યાં આપણે ઝુપડું બનાવી ને રહીશું. ઝાડવા વાવીશું. કુંડલા માં થી હું બધા ની ઘરે જઈ ને જમવા નું લઇ આવીશ. તારે ત્યાં સુધી માં આસ પાસ ની જગ્યા સાફ કરી નાખવા ની. ઝાડવા ને પાણી પાય દેવા નું. ત્યાં રહી બાકી ના સમય માં આપણે બન્ને આંખો બંધ કરી ને ભગવાન નું નામ લેતા રહીશું. થોડું ખાવા નું કુતરા, ચકલી, કબુતર બધા ને આપશું અને સાંજે કુતરા સાથે રમત રમીશું....... ......" એ સમય માં કપડા પણ હું એ રીત ના જ પહેરતો હતો. એક લાંબી શાલ કમર ઉપર ના શરીર ને વીંટાળતો અને નીચે ચડ્ડી પહેરેલી હોય. જીતેન્દ્ર તો ખુશ થઇ ને હા કેહતો, પણ આ વાત જયારે મેં મારા મમ્મી ને કરી ત્યારે મમ્મી એ કીધેલું કે "મોટો થઇ જા ને પછી જજે. જેમ રામ કેમ મોટા થયા પછી જંગલ માં નાના ભાઈ ને લઇ ને ગયા એમ.... રામ નાના હતા ત્યારે ભણતા હતા ને એમ તારે પણ ભણવા નું...." ત્યાર બાદ લગભગ ઘણા ટૂંક જ સમય માં આ વિચાર - વાક્યો ક્યાં જતા રહ્યા એની ખબર પણ ના રહી. એમ છતાં પણ પશુ - પક્ષી - પ્રાણી - પ્રકૃતિ તરફ નો પ્રેમ - લગાવ તો હતો જ.

ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ દરમ્યાન વિચારો ફર્યા. ખાસ મિત્ર ના વિચારો થી અભિભૂત થયો હોવા થી હું પણ થોડા ઘણા અંશે નાસ્તિક જેવો થઇ ગયો. આ સમય લાંબો ના ચાલ્યો કારણ કે વધુ આગળ ભણવા (રાજકોટ માં ડીપ્લોમાં કમ્પ્યુટર ઈજનેરી), મારે જયારે મારી કર્મભૂમિ સાવર કુંડલા અને ઘર છોડવા નો સમય આવ્યો ત્યારે મારા લાગણીશીલ સ્વભાવ ને કારણે, હું ખુબજ પડી ભાંગ્યો હતો. એ માટે ના બીજા પણ ઘણા કારણો હતા. આ સમય દરમ્યાન મારા મિત્રો જેમ કે મિહિર, બીરજુ, ભીમો વગેરે એ મને ઘણો સાથ આપ્યો હતો. આ જ સમય દરમ્યાન હું રામક્રિષ્ણ આશ્રમ, શ્રીમદ ભગવદ ગીતા, ધ્યાન, પ્રાણાયામ વગેરે તરફ ખુબજ ખેંચાયો. અવતારી માણસો જેવા મને શ્રી મૂળવંત ભાઈ દોમડિયા અને શ્રીમતી મનીષા મેમ મળ્યા. અહીં થી જ મારા આધ્યાત્મિક જીવન ની શરૂઆત થઇ એમ કહેવા માં જરાય અતિશયોક્તિ નહિ ગણાય. કારણ કે, આ સમય દરમ્યાન મને શ્રી મૂળવંત ભાઈ એ "મંત્ર અને માળા" આપી હતી. એમણે પૂછેલા એક પ્રશ્ન ના જવાબ માં મેં એમને કહેલું કે "મારે પશુ - પક્ષી - પ્રાણી - માણસો ની ખુબજ સેવા કરવી છે." આ વાત અહીં જ પૂર્ણ કરું છું. શ્રી મૂળવંત ભાઈ અને મારી મુલાકાતો અને તેમના દ્વારા ચાલતી સેવા ની વાત બીજા એક લેખ માં લખીશ. સાથે સાથે મને થયેલ એક અદભૂત અનુભવ ની વાત પણ લખીશ.

ડિગ્રી ઈજનેરી કરવા માટે જયારે મોડાસા ગયો ત્યારે પરિસ્થિતિ ઘણી બદલાય ચુકી હતી. એ અદભૂત અનુભવ પછી એક અલગ જ તાકાત/શક્તિ ને હું અનુભવી રહ્યો હતો. ક્યારથી એ વિચાર ના બીજ રોપાયા એ મને ખબર નથી પણ મોડાસા માં અભ્યાસ દરમ્યાન "કથાકાર" બનવા ની ઈચ્છા એ જોર પકડેલું. "કથાકાર" બની ઈશ્વર ના ચરિત્ર નું લોકો ને રસપાન કરાવતા કરાવતા જીવન ની અમુક ફિલસુફી લોકો ને સમજાવવાની તક મળે, આર્થીક દ્રવ્ય નું જે ઉપાર્જન થાય તેનો ઉપયોગ હું સમાજ સેવા માટે નક્કી કરી રાખેલા કાર્યો માં કરી શકું એ વિચારો થી ખુબજ આનંદ અનુભવતો. અહીં એ ઈચ્છા બળવત્તર બની તેના બે કારણો હતા. એક તો મારો મિત્ર - ગુરૂ સમાન ઉદય સાથે પત્ર - વ્યવહાર અને બીજું હું જ્યાં રહેતો - ખાતો - પીતો હતો એ "સંસ્કૃત પાઠશાળા". અહીં ઘણા સાથી મિત્રો સાથે ધર્મ ને લગતી ચર્ચા થતી, ભક્તિમય વાતાવરણ અને ખાસ કરી ને અન્ય ને મારી શક્તિ પ્રમાણે સમજાવતો - પ્રેરણા આપતો અને સત્ય - અસત્ય, નિત્ય - અનિત્ય વિષે ઘણું કહેતો. આ બાબત ને લઇ ને મને ચીડવવા માટે ઘણા મને "ગુરૂ" કહી ને બોલાવતા હતા. "ગુરૂ" ઉપનામ પડી ગયેલું. આ જ સમય દરમ્યાન હું મારા સદગુરૂ શ્રીમન મન્નથુરામ શર્મા ના પરીચય માં આવ્યો. એમના દ્વારા લખાયેલા જ્ઞાનરૂપી શાસ્ત્રો એ મારી જ્ઞાન ક્ષુધા ને તૃપ્ત કરવા માંડી. વિશેષ વર્ણન માટે અન્ય લેખ લખીશ.

નોકરી કરવા પૂણે આવ્યો અને પૂણે માં પણ રૂમ માં સાથે રહેતા મિત્રો સાથે મારા સ્વભાવાનુસાર ફિલસુફી ની વાતો વધુ થતી અને મિત્રો ને થતી સમસ્યા, પ્રશ્નો ના ઉત્તરો મારી મતિ પ્રમાણે આપતો. અહીં મને વધુ એક ઉપનામ મળી ગયું - "ઓશો". મેં ક્યારેય શા માટે એ મળ્યું કે મારી સાથે કે મારા વિચારો સાથે એ સંબંધિત છે કે નહિ એ વિચાર્યું ના હતું. અહીં રહેતા ગુજરાતી લોકો સાથે સંપર્ક વધતા અને ઘણા ખરા વતન ના અને ધર્મ પ્રેમી હોવા થી મને આશા જાગી કે અહીં હું "શ્રીમદ ભાગવત" નું રસપાન કરાવી શકીશ.

લગ્ન પછી હું, એ જ વિસ્તાર માં રહેવા ગયો જ્યાં તે લોકો મોટા પ્રમાણ માં રહે છે. મારો નાનો ભાઈ ભાવેશ કે જેણે શાસ્ત્ર નો અભ્યાસ સદગુરૂ શ્રીમન મન્નથુરામ શર્મા ના "આનંદ આશ્રમ" - બીલખા થી પૂર્ણ કાર્યો હતો એ પણ સાથે જ રહેતો હતો. અહીં હું - ભાઈ અને મારી પત્ની દરરોજ રાત્રે ભાગવત વાંચતા અને સત્સંગ કરતા હતા. અત્યાર સુધી માત્ર "ભાગવત વાંચન" ની ઈચ્છા હતી. પરંતુ, ઘરે તેનું શ્રવણ અને મનન કર્યા બાદ (અધ્યાત્મિક અર્થ સમજ્યા બાદ) લોકો પણ એ વાંચે, સાંભળે અને પરમ આનંદ પ્રાપ્ત કરે એ હેતુ થી ગુજરાતી સમાજ માં તેનું રસપાન કરાવ્યું. પ્રથમ થી જ લોકો ને જણાવી દેવા માં આવ્યું હતું કે "કથા નું આયોજન સમાજ માટે, સમાજ ના લાભાર્થે હોય ધન, દાન નહિ પણ આપ સર્વો ની હાજરી મહત્વ ની છે!" સાથે સાથે એ પણ જણાવવા માં આવ્યું હતું કે "કથા દ્વારા થનાર આર્થીક ઉપાર્જન નો ઉપયોગ સમાજ સેવા માટે થશે." દર રવિ વારે કથા ૩ - ૬ ચાલતી. લગભગ ૧૨-૧૩ રવિ વાર સુધી ચાલેલી. લોકો એ સારો લાભ લીધેલો.

કથા માં એકઠું થયેલ દ્રવ્ય કે જે લગભગ "૧૫૦૦ - ૨૦૦૦" રૂપિયા જેટલું હતું તે, સમાજ ના આગળ પડતા કાર્યકર્તા ભાઈ એ મને આપી ને કહેલું કે "દાદા, તમે એટલી મહેનત કરી અને કોઈ ના પણ યજમાન પદ વિના, આર્થીક લાભ ની આશા રાખ્યા વિના, સતત ૨-૩ મહિના સમય આપ્યો માટે આ રૂપિયા તમે રાખો." મેં ઘણી ના કહી છતાં અને કોઈ સેવા ના કામ માં વાપરવા નું કહેવા છતાં તે ટસ ના મસ ના થયા અને મને જણાવ્યું કે "તમે તમારા હાથે દાન - પૂણ્ય માં આપી દેજો!!" એ લઇ ને ઘરે આવ્યા બાદ, ૨-૩ દિવસ માં એક વખત જયારે હું ધ્યાન માં બેઠો હતો ત્યારે અંત:સ્ફૂરણા થઇ કે "આ દ્રવ્ય નો ઉપયોગ કરી ને શ્રીમન મન્નથુરામ શર્મા એ લખેલ બધા પૂસ્તકો મંગાવી આધ્યાત્મિક પૂસ્તકાલય ની શરૂઆત કરવી!!" ગુરૂદેવ ની કૃપા ના કારણે એ કામ જલ્દી થી શક્ય બન્યું અને આજે પણ સમાજ ના ઘણા લોકો "ભાગવત ની પ્રસાદ રૂપ એ પૂસ્તકાલય માંથી પોતા ના અધિકારાનુંસાર પૂસ્તક લઇ - વાંચી - જીવન પંથ કાપી રહ્યા છે!!"


"ભાગવત" નું રસપાન કરાવી ને, ભાગવત ની પ્રસાદ રૂપ એ પૂસ્તકાલય ઉભું કરી ને મને જે આનંદ મળ્યો છે અને મળતો રહે છે તેને શબ્દો માં વ્યક્ત કરી શકાય એમ નથી. આ સાથે ઈશ્વર - ગુરુદેવ ને ફક્ત એ જ પ્રાર્થના કરવા માંગું છું કે આ જ રીતે હું "ભાગવત - શિવ પૂરાણ - રામાયણ - નાથ કથા - સનાતન ધર્મ સપ્તાહ" વગેરે નું રસપાન લોકો ને કરાવતો રહું અને એના દ્વારા "આધ્યાત્મિક સેવા" સાથે - સાથે કથા દ્વારા ઉપાર્જિત થતા ધન દ્વારા "ગૌશાળા - રૂગ્નાલય - પૂસ્તકાલય - નિશાળ - શિક્ષણ વિદ્યાલય" વગેરે સ્થાપી ને "જીવ સેવા" પણ કરી શકું કે જે મારા જીવન નો એક માત્ર હેતુ છે.

ઇતિ શિવમ

નીલેશ મહેતા - "નાથ બાળ"
જય ગુરૂદેવ - જય નાથ!!