Friday, May 7, 2010

જીવન સફર - એક આનંદ યાત્રા

હું વિશ્વાસ ની સાથે કહી શકું છું કે આ શીર્ષક ને વાંચી ને તમે સૌ આનંદ અનુભવી રહ્યા હશો. આનંદ થવો સ્વાભાવિક છે અને થવો પણ જોઈએ કારણ કે આપણી સૌ ની અંદર ઊંડે - ઊંડે પરમ આનંદ નો સ્ત્રોત રહેલો છે. તમને આ બાબત ની અનુભૂતિ ઘણી વાર થતી જ હશે , જેમ કે તમે જયારે કોઈ ને મદદ કરો, તમારું ગમતું કાર્ય કરો, કોઈ સાથે વાત ચીત કે સત્સંગ કરો. આ સિવાય પણ અન્ય ઘણી એવી બાબતો જીવન માં હોય છે કે જે કરતા, અનુભવતા આપણે ખુબજ આનંદિત થઇ જતા હોઈએ છીએ. પરંતુ દુઃખ ની વાત એ છે કે આપણા માં થી ઘણા લોકો એ આનંદ સાથે જીવી શકતા નથી. કારણ શું? નીચે આપેલ પૈકી ના કારણો સંભવી શકે છે:

૧. સ્વ - સ્વરૂપ નું અજ્ઞાન:

આધ્યાત્મિક દ્રષ્ટિ એ વિચારતા પોતા ના સાચા સ્વરૂપ - આત્મસ્વરૂપ ના અજ્ઞાન ના કારણે લોકો દરેક કાર્ય હું (એટલે કે દેહાદી માં બુદ્ધિ રાખી) કરું છું એવું માને છે જેના ફળ સ્વરૂપ સફળતા - નિષ્ફળતા મળતા સુખ અને દુઃખ અનુભવે છે જેના પરીણામે તેમની બુદ્ધિ દેહાદી માં વધુ સ્થાપીત થાય છે. ધીરે - ધીરે લોકો દરેક ઘટના ની પાછળ પોતા ની જાત ને જવાબદાર માનવા નું શરુ કરી દે છે. એ ભૂલી જાય છે કે આપણે તો ફક્ત દ્રષ્ટા તરીકે રહી "નિષ્કામ કર્મ" કરતા રહેવું જ શ્રેષ્ઠ બાબત છે. આ કહેવત યાદ રાખવા જેવી છે - "હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટ નો ભાર જેમ શ્વાન તાણતા!" .

આ સુત્રો માં ઘણી તાકાત રહેલી છે: "હરી ઈચ્છા બળવાન" અને "ઠાકર કરે એ ઠીક". આમાં કર્મ - કાર્ય કર્યા પછી પણ ઈશ્વર કે જગત ની સર્વોપરી શક્તિ પ્રત્યે સમર્પણ ની ભાવના છે. એક વાર આ ભાવના દ્રઢ થઈ જાય પછી જુઓ જીવન જીવવા નો કેટલો આનંદ આવે છે.

૨. જીવન લક્ષ્ય:

લૌકિક,સાંસારીક કે આધ્યાત્મિક દ્રષ્ટિ એ જોતા દરેક મનુષ્ય નો જન્મ કંઇક પ્રાપ્ત કરવા અને પૂર્વ જન્મ ની અધુરી રહી ગયેલી ઈચ્છા - વાસના - તૃષ્ણા તૃપ્ત કરવા માટે થયેલ હોય છે. જીવન જીવવા દરમ્યાન આપણે જો એ "સળગતી ઈચ્છા" ને જાણી ના શકીએ તો ઘણું બધું પ્રાપ્ત કર્યા પછી પણ આપણ ને જીવન અધૂરું અધૂરું લાગે. પરીણામ રૂપે આનંદ માં રહી ના શકીએ. એ માટે ખાસ જરૂરી બાબત એ છે કે "જાણો, કે એ સર્વોપરી શક્તિ તમારા દ્વારા ક્યું કાર્ય પૂર્ણ કરાવવા માંગે છે!!". મને દ્રઢ વિશ્વાસ છે કે આ વાત ની અનુભૂતિ તમને ઘણી વાર થઈ પણ હશે. પરંતુ, આપણે સૌ "અંતર આત્મા" ના અવાજ ને અવગણતા ખુબજ સારી રીતે શીખી ચુક્યા છીએ જેના ફળ સ્વરૂપે અમુક કાર્યો કરવા માં આપણે આનંદ નથી અનુભવતા. ખરું ને?

ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ ખુબજ સારું ગાઈ શકતો હોય છે. તેમને અંદર થી ઘણી વખત અવાજ પણ સંભળાતો હોય છે કે મારું જીવન લક્ષ્ય "ગાયક" બનવા નું અથવા તો "ગાયન ગાઈ ને અન્ય લોકો ને આનંદ આપવા" નું છે. પરંતુ સાથે સાથે એ કોઈ સારી નોકરી પણ કરતો હોય, જીવન દરમ્યાન ગાયન ઉપર પુરતું ધ્યાન ના આપી શકે અને અંતે ખુબજ રૂપિયા અને નામ કમાયો હોવા છતાં જીવન માં એક ખાલીપણા નો અનુભવ કરતો રહેશે. આથી ઉલટું જો એ પોતે વર્તમાન નોકરી માંથી થોડો થોડો સમય કાઢી ને પણ પોતા ના મુખ્ય જીવન લક્ષ્ય "ગાયન" પર ધ્યાન કેન્દ્રિત કરે અને આગળ જતા એવી કોઈ નોકરી સ્વીકારે કે જેમાં એ વધુ સમય પોતા ના મુખ્ય લક્ષ્ય ને આપી શકે તો એમનું વર્તમાન અને ભવિષ્ય નું જીવન પણ આનંદિત થયા વિના રહી જ ના શકે.

કોઈ પણ મનુષ્ય જો એક વાર આધ્યાત્મિક માર્ગ પર ચાલવા નું શરૂ કરે તો એ "જીવન યાત્રા" ને "આનંદ યાત્રા" જરૂર થી બનાવી શકે. કારણ કે, "અધ્યાત્મ" જ એક એવું વાહન છે જેમાં જેમ વધુ પ્રવાસી હોય તેમ વધુ આનંદ આવે, અકસ્માત નો કોઈ ભય જ નહિ, અને અંતિમ મુકામ (મોક્ષ - આનંદમય જીવન) સુધી પહોચાડવા નું કાર્ય સાક્ષાત પરમાત્મા કરતા હોય છે.

ચાલો, તો પછી રાહ કોની જુઓ છો? તમે પણ આવો અને અન્ય સગા - સંબંધી, મિત્રો, સ્નેહીજનો, સહ કર્મીઓ ને પણ આમંત્રણ આપો અને પોતા ની સાથે અન્ય ના જીવન ને પણ અંતિમ મુકામ સુધી પહોંચાડવા ના સહભાગી બનો.

આનંદ આવ્યો ને? હવે થી નિયમીત પણે આ "અધ્યાત્મ રૂપી બ્લોગ" ની મુલાકાત લેતા રહેજો અને અન્ય ને પણ તે માટે આમંત્રણ આપતા રહેજો. ફરી પાછા ના મળીયે ત્યાં સુધી તમારી સૌ ની "આધ્યાત્મિક યાત્રા" ના પ્રયાણ માટે શુભ પ્રાર્થના અને શ્રી ગુરૂદેવ ના શુભ આશિષ!!

----- નીલેશ મહેતા "નાથ બાળ",
જય નાથ!!!